Posts

Showing posts from November, 2023

પનીર ભુરજી

Image
 પનીર ભુરજી સામગ્રીઃ  છીણેલું પનીર એક કપ,  સમારેલું ટામેટું એક નંગ,  ઝીણું સમારેલું કેપ્સિકમ બે નંગ,  સમારેલી કોથમીર ચાર ચમચી,  સમારેલાં લીલાં મરચાં બે નંગ,  સૂંઠ પા ચમચી,  દહીં એક ચમચી,  મોળો માવો પા કપ,  તેલ બે ચમચી,  ઘી બે ચમચી,  હળદર પા ચમચી,  ધાણાજીરું અડધી ચમચી,  ગરમ મસાલો અડધી ચમચી,  લાલ મરચું પાઉડર એક ચમચી,  જીરું અડધી ચમચી,  મીઠું સ્વાદ મુજબ. રીતઃ  કડાઈમાં તેલ અને ઘી ગરમ કરી જીરાનો વઘાર કરો, સમારેલાં લીલાં મરચાં અને સૂંઠ પાઉડર ઉમેરો. કેપ્સિકમ અને ટામેટાં એડ કરો. લાલ મરચું પાઉડર, હળદર અને ગરમ મસાલો ઉમેરી સ્વાદ મુજબ મીઠું એડ કરો. મસાલો સંતળાય એટલે અડધો ગ્લાસ પાણી ઉમેરવાનું છે, આ શાક ગ્રેવીવાળું નહીં પણ લચકા પડતું હોય છે. એટલે સામગ્રીને ઢાંકણ ઢાંકીને સારી રીતે ચડવા દેવું. બરાબર ચડી જાય એટલે સમારેલી કોથમીર, મોળો માવો અને છીણેલું પનીર ઉમેરો. દહીં ઉમેરી એક મિનિટ સુધી ચડવા દો, સરસ મજાનું શાક તૈયાર થઇ જશે.

શિકંજી મસાલા

Image
  શિકંજી મસાલા સામગ્રી :  જીરું એક ચમચી,  આખાં મરી પાંચથી છ નંગ,  આખા ધાણા અડધી ચમચી,  ચાટ મસાલો એક ચમચી,  કાળું મીઠું(સંચળ) એક ચમચી,  સૂંઠ પાઉડર અડધી ચમચી,  મીઠું પ્રમાણસર રીત :   શિકંજી બનાવવા આ મસાલાનો ઉપયોગ થાય છે. જેમાં જીરું અને ચાટ મસાલામાં પાચક ગુણ હોય છે. કાળું મીઠું એટલે કે સંચળ આ પીણાને સ્વાદિષ્ટ બનાવે છે. આમાં સૂંઠ પાઉડર પણ ઉમેરી શકાય છે. તે પીણાને થોડું તીખું બનાવે છે. સૌ પ્રથમ પૅનમાં જીરું, આખા મરી અને આખા ધાણાને ધીમા તાપે ગેસ પર શેકી લો. ઠંડું થાય એટલે મિક્સરમાં લઇ તેમાં ચાટ મસાલો, સંચળ, મીઠું અને સૂંઠ પાઉડર મિક્સ કરી પાવડર બનાવી લો. શિકંજી મસાલા પાઉડરને એ ૨ ટ। ઇ ટ બોટલમાં ભરી ફ્રિજમાં રાખો. જ્યારે શિકંજી બનાવવી હોય ત્યારે જરૂરિયાત અનુસાર મસાલો મિક્સ કરી મજા માણો.

દૂધી કોફ્તા ઈન વ્હાઇટ ગ્રેવી

Image
 દૂધી કોફ્તા ઈન વ્હાઇટ ગ્રેવી સામગ્રી:   કોફ્તા બનાવવાઃ  દૂધીનું છીણ ૧ કપ,  પનીરનું છીણ અડધો કપ,  મેંદો ૨ ચમચા,  આદું-મરચાંની પેસ્ટ ૧ ચમચી,  મરી પાઉડર ૧ નાની ચમચી,  મીઠું પ્રમાણસર,  પાણી જરૂર મુજબ,  તેલ તળવા માટે,  ગ્રેવી બનાવવા માટેઃ  બે ચમચી બટર,  બે ચમચી મેંદો,  દોઢ કપ દૂધ,  કાજુ- મગજતરી પાઉડર બે ચમચી,  મીઠું,  મરી પાઉડર અડધી ચમચી,  સફેદ મરચું પાઉડર અડધી ચમચી. રીતઃ  સૌપ્રથમ દૂધી, પનીર, મેંદો, આદું-મરચાં પેસ્ટ, મરી અને મીઠું મિક્સ કરી તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી કોફ્તાનો લોટ બાંધો. બંને હથેળીમાં તેલ લગાવી લોટમાંથી કોફ્તા તૈયાર કરીને ગરમ તેલમાં તળી લેવા. મધ્યમ તાપે હલકા સોનેરી તળવા, ગ્રેવી માટે બટરમાં મેંદો શેકીને તેમાં ધીમે ધીમે દૂધ ઉમેરતા જવું, સતત હલાવતા રહેવું જેથી ગઠ્ઠા ન થઈ જાય, તેમાં કાજુ-મગજતરીનો પાઉડર, મીઠું, મરી, સફેદ મરચું પાઉડર ઉમેરી પાંચ મિનિટ ઉકાળવું. હવે સર્વિંગ પ્લેટમાં કોફતા ગોઠવી તેના ઉપર ગરમાગરમ ગ્રેવી નાખી પીરસવું.

કેસર પિસ્તાં શ્રીખંડ

Image
  કેસર પિસ્તાં શ્રીખંડ સામગ્રી :  એક કિલો દહીં,  ૨૦૦ ગ્રામ બૂરુ ખાંડ,  ૧૨થી ૧૫ તાંતણા કેસર,  ત્રણ ચમચી દૂધ,  અડધી ચમચી ઇલાયચી પાઉડર,  દસ નંગ બદામ,  પંદર નંગ પિસ્તાં. રીત :  દહીંને સફેદ મલમલના કપડાંમાં એકદમ ફીટ બાંધી લો. એક કલાક આ રીતે બાંધીને લટકાવી રાખો જેથી એમાં રહેલું બધું પાણી નીકળી જાય. એક વાસણ પર ચારણી મૂકી તેના ઉપર પોટલી મૂકીને ચારથી પાંચ કલાક માટે ફ્રિજમાં મૂકી દો. આમ કરવાથી દહીં ખાટું નહીં થાય અને પાણી બરાબર નીતરી જશે. દૂધમાં કેસરના તાંતણા એકાદ કલાક માટે પલાળી દો. બદામ અને પિસ્તાંની કતરણ કરી લો. દહીંના મસ્કામાં બૂરુ ખાંડ તથા કેસરવાળું દૂધ ઉમેરી બરાબર હલાવી દો. હવે ઇલાયચી પાઉડર અને બદામ પિસ્તાંની કતરણ મિક્સ કરી શ્રીખંડને ફ્રિજમાં ઠંડો કરવા મૂકી દો. પીરસતી વખતે ફરી થોડી બદામ-પિસ્તાંની કતરણ ભભરાવી સર્વ કરો.